BJPના પ્લાન 'B' ફોર્મ્યુલા પર શિવસેનાએ આપ્યો જવાબ- 'અહીં કોઈ દુષ્યંતના પિતા જેલમાં નથી'

સંજય રાઉતે કહ્યું કે જો ભાજપ કોઈ પ્લાન એ, બી કે સી અજમાવે તો તેમની મરજી છે. ઝેડ સુધી જતી રહે. પરંતુ ડેમોક્રેસીમાં બધાને હક છે. અમે ગઠબંધન ધર્મનું પાલન કરવા માગીએ છીએ. જો તેઓ નહીં કરે તો જનતા જવાબ આપશે.

BJPના પ્લાન 'B' ફોર્મ્યુલા પર શિવસેનાએ આપ્યો જવાબ- 'અહીં કોઈ દુષ્યંતના પિતા જેલમાં નથી'

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ગજબના રંગ જોવા મળી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપ અને શિવસેનાના ગઠબંઠનને બહુમત આપીને સરકાર બનાવવાની તક આપી છે પરંતુ બંને પાર્ટીઓમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે. શિવસેના અઢી વર્ષ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. જ્યારે ભાજપ આ અંગે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. ભાજપ જ્યાં શિવસેનાના વિધાયકોને તોડવા જેવી વાતો કરી રહ્યો છે ત્યાં શિવસેના પણ બીજા વિકલ્પ અજમાવવાના દાવા કરી રહી છે. 

શિવેસનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમારી પાસે વિકલ્પ છે. પંરતુ વિકલ્પનો ઉપયોગ કરીને પાપ કરવા માંગતા નથી. શિવસેના સત્તા ભૂખી નથી. આ પ્રકારના રાજકારણથી શિવસેનાએ પોતાને હંમેશા દૂર રાખી છે. રાઉતે કહ્યું કે અહીં કોઈ દુષ્યંત નથી જેના પિતા જેલમાં હોય. અહીં અમે છીએ જે નીતિ, ધર્મ અને સત્યનું રાજકારણ રમીએ છીએ. કોંગ્રેસ ક્યારેય ભાજપ સાથે જશે નહીં. 

શિવસેના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રનું રાજકારણ કેટલું પેચીદુ બની ગયુ છે તેનો અંદાજો ન લગાવી શકો. સત્તાથી અમને જો દૂર રાખવા માંગતા હોવ તો તે અમારું સન્માન છે. કોઈ ને કોઈ નિર્ણય જલદી લેવાશે. અમે બજાર ખોલીને નથી બેઠા. અમે બસ જોઈએ છીએ કે લોકો કઈ હદ સુધી જઈ શકે છે. અમારી માંગણી એટલી જ છે જે પહેલા નક્કી થયું હતું તેના પર તમે ચર્ચા કરો. જે કરાર થયો હતો તેના પર આગળ વાત કરીશું. 

સંજય રાઉતે કહ્યું કે જો ભાજપ કોઈ પ્લાન એ, બી કે સી અજમાવે તો તેમની મરજી છે. ઝેડ સુધી જતી રહે. પરંતુ ડેમોક્રેસીમાં બધાને હક છે. અમે ગઠબંધન ધર્મનું પાલન કરવા માગીએ છીએ. જો તેઓ નહીં કરે તો જનતા જવાબ આપશે. વિકલ્પને સ્વીકાર રવાની મજબૂરી અમે નથી કરવા માંગતા. લોકતંત્રનું મર્ડર સત્તા માટે અમે ન કરીએ. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં શિવસેના અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રીની માગણી પર મક્કમ છે. આવામાં ભાજપે સરકાર બનાવવા માટે પ્લાન બી તૈયાર કરી લીધો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે શિવસેનાના 56માંથી 45 ધારાસભ્યો અલગ પાર્ટી બનાવીને ભાજપને સપોર્ટ કરવા માટે તૈયાર છે. ઝી મીડિયાની ચેનલ 24 તાસના ડિબેટ શોમાં કાકડેએ દાવો કર્યો કે શિવસેનાના 56માંથી 45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેઓ ફોન કરી રહ્યાં છે અને સરકાર બનાવવા માટે ભલામણ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે ભાજપ તેમનો સપોર્ટ લઈ લે. જેને ભાજપના 'પ્લાન બી' હેઠળ પ્રેશર પોલીટિક્સ તરીકે જોવામાં આવી રહ્યું છે. 

ભાજપે નક્કી કરી લીધુ છે કે તે શિવસેનાની શરતો આગળ નમશે નહીં. આ સાથે જ શિવસેના સામે 31 ઓક્ટોબર સુધી સમયમર્યાદા નક્કી કરી લીધી છે. આ સમયમર્યાદાની અંદર જો શિવસેના નહીં માને તો ભાજપ પ્લાન બી અજમાવશે. પ્લાન બી હેઠળ ભાજપે નક્કી કર્યું છે કે શિવસેનાની સાથે કે શિવસેના વગર તે રાજ્યપાલ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. આ સાથે જ પોતાની જોડે નાની પાર્ટીઓ અને અપક્ષોના સમર્થન લેટર પણ લઈ જશે. 

સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવે તેનો દાવો સૌથી પહેલા અને મજબુત હોય છે. દેવેન્દ્ર ફડણવીસ ભાજપના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનની યાદી રાજ્યપાલને સોંપીને સરકાર બનાવવાનો દાવો ઠોંકવાની તૈયારીમાં છે. 

દેવેન્દ્ર ફડણવીસે મન બનાવી લીધુ છે કે તેઓ કાં તો શિવસેનાની સાથે અથવા તો શિવસેના વગર સરકાર બનાવશે અને મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેટલાક અન્ય ભાજપના સિનિયર નેતાઓ અને નાના મિત્ર પક્ષોના સભ્યો પણ શપથ લેશે. જ્યારે રાજ્યપાલ પાસે બહુમત સાબિત કરવાનો સમય આપશે ત્યારે ફરીથી શિવસેના સાથે વાત કરવાની કોશિશ થશે. જો ત્યારે પણ શિવસેના મક્કમ રહેશે તો શિવસેના વગર બહુમત સાબિત કરવાની કોશિશ થશે. ત્યારબાદ બેકડોર રાજકારણમાં એનસીપી એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમાં એનસીપી પોતે કોઈ સન્માનજનક મુદ્દે વોટિંગનો બાયકોટ કરે તો ભાજપ સરળતાથી બહુમત સાબિત કરી નાખશે. 

એટલે કે એનસીપીના 54 ધારાસભ્યો વિરોધ કરે તો તેવા સંજોગોમાં 289 સભ્યોની વિધાનસભામાં 235 સભ્યો થાય અને બહુમતનો આંકડો 118 થશે. જેમાં ભાજપના 105 વિધાયકોની સાથે અન્ય 13 નાની પાર્ટીઓ અને અપક્ષ ધારાસભ્યોનો સાથ તેમને મળશે. અત્યાર સુધી પ્રદેશના 15 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મેળવીને ભાજપની ઝોળીમાં કુલ 120 ધારાસભ્યો આવ્યા હોવાનો પક્ષનો દાવો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news